સૌરાષ્ટ્રમાં બીજા દિવસે માવઠું, મગફળી સહિત પાકોને નુક્શાન

સૌરાષ્ટ્રમાં બીજા દિવસે માવઠું, મગફળી સહિત પાકોને નુક્શાન

- પોરબંદર, અમરેલી, જુનાગઢ, જામનગર, મોરબી, રાજકોટ સહિત જિલ્લામાં કમોસમી

- વેરાવળમાં 1 ઈંચ, લીલીયા મોટામાં અર્ધો ઈંચ, રાજકોટમાં હળવા-ભારે ઝાપટાં વરસ્યા 



રાજકોટ,તા.11 ડિસેમ્બર 2020, શુક્રવાર

દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઉપર સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે સૌરાષ્ટ્રમાં આજે સતત બીજા દિવસે કમોસમના માવઠાંએ ખેડૂતોની માઠી દશા કરી હતી અને ઠેરઠેર ખેતરમાં ઉભેલા રવિ પાકને તથા માર્કેટયાર્ડમાં મગફળી, કપાસ સહિતના પાકને નુક્શાન પહોંચ્યું છે. 

તમામ જિલ્લાઓમાં વધતા ઓછા અંશે કમોસમી વરસાદ વરસતા લોકોએ શિયાળો, ઉનાળો અને ચોમાસુ ત્રિવિધ ઋતુનો એક સાથે અનુભવ કર્યો હતો અને સૂર્યના દર્શન દુર્લભ થાય તે રીતે સમગ્ર પ્રદેશ ઉપર વાદળો છવાયા હતા.  વરસાદથી સૌરાષ્ટ્રભરમાં ટાઢુડુ છવાઈ ગયું હતું અને ધ્રાબડિયા હવામાનથી એક તરફ રોગચાળો વધવા ભીતિ સર્જાઈ છે .

સોમનાથ, વેરાવળ, સૂત્રાપાડા વિસ્તારમાં તો વહેલી સવારે પાંચથી દસ વાગ્યા સુધીમાં ૨૦ મિ.મિ. (આશરે એક ઈંચ) વરસાદ વરસી જતા માર્ગો પર અને ખેતરોમાં પાણી ભરાયા હતા. રાજકોટમાં મધ્યરાત્રિ સુધી ધીમો વરસાદ વરસતો રહ્યો હતો અને યાર્ડમાં મગફળીનો પાક પલળી ગયો ગયો તો ત્રંબા પાસે વધુ ભારે ઝાપટાં વરસ્યાના અહેવાલ છે. અમરેલીના મોટા લીલીયા પંથકમાં અર્ધો ઈંચ જેટલો વરસાદ પડયાના અહેવાલો છે. 

ઉપરાંત, પોરબંદર શહેર જિલ્લો અને બરડા ડુંગર તથા આજુબાજુના મોરાણા, અડવાણા, સોઢાણા, ફટાણા ગામોમાં, તલાલા પંથકમાં વરસાદ તો વાંકાનેરમાં ભારે ઝાપટાંથી રસ્તા પર પાણી વહ્યું હતું. ગોંડલમાં હળવું ઝાપટું તેમજ કોટડાસાંગાણી તથા આજુબાજુના રાજગઢ, માણેકવાડા, મોટામાડવા, ખરેડા, અરડોઈ, ભાડવા, રાજપરા, ખોખરી, ભાડુઈ, સોરીયા, નવાગામ સહિત વિસ્તારમાં માવઠાંના અહેવાલો છે. 

જામનગર શહેર જિલ્લામાં આજે સાંજે ફરી કમોસમી વરસાદ તો જામજોધપુરમાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. જિલ્લામાં અન્યત્ર પણ વરસાદના અહેવાલો છે. મોરબી શહેર તથા જિલ્લા વિસ્તારમાં, હળવદ પંથકમાં તો જુનાગઢ, માણાવદર, વંથલી, વિસાવદર આંકોલા ગીર, ગડુ શેરબાગ સહિત સોરઠ પંથકમાં તથા લોઢવા વિસ્તારમાં છાંટાથી માંડીને હળવા ભારે ઝાપટાં સ્વરૂપે પાણી વરસ્યું હતું અને કૃષિને નુક્શાન પહોંચ્યું હતું. 

રાજકોટ જિલ્લાના જેતપુરમાં કમોસમી વરસાદથી મગફળી પલળી જતા ખેડૂતોને ભારે ઉપાધિ સર્જાઈ છે, ધોરાજીમાં બીજા દિવસે વરસાદી માહૌલ સર્જાયો હતો 

વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સે જમાવટ કરી રહેલી શિયાળાની ઋતુને ડિસ્ટર્બ કરી નાંખી છે. પાંચ દિવસ પહેલા જ વરસાદની સીસ્ટમ બંધાઈ હતી અને હવામાન ખાતા દ્વારા આગાહી કરાઈ હતી પરંતુ, આગાહી જે આંશિક વિસ્તાર પૂરતી હતી તેના બદલે તે ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો.  જ્યારે સવારે  સુરત,વેરાવળ, દિવ, મહુવા, અમદાવાદ, ભાવનગર, વેરાવળ, દ્વારકા, સુરેન્દ્રનગર, અમરેલી, સહિતના સ્થળે પારો ૨૦ સે.ને પાર થયો હતો. પણ સાંજે ટાઢો પવન ફૂંકાયો હતો. હજુ આવતીકાલે દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા સ્થળે હળવા વરસાદની આગાહી છે.

આવતીકાલથી સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત સહિતના સ્થળે હવામાન  ફરી ચોખ્ખુ થવા લાગે અને રવિવારથી રવિ (સૂર્ય) પ્રકાશિત  દિવસો સાથે તાપમાનનો પારો ૩થી ૪ સે.નીચે ઉતરીને ફરી કડકડતી અને સાનુકૂળ ઠંડી  પડે તેવી આગાહી કરાઈ છે.

સૌરાષ્ટ્રમાં બીજા દિવસે ક્યાં વરસાદ, નુક્શાન? 

સૌરાષ્ટ્રમાં ગામે ગામેથી પ્રાપ્ત અહેવાલો મૂજબ...

(૧) મધરાતે રાજકોટ તથા ત્રંબા સહિત આજુબાજુ વિસ્તાર. યાર્ડમાં મગફળી પલળી.વધુ વરસાદ ત્યાં કૃષિને નુક્શાન.

(૨) પોરબંદર શહેર-જિલ્લા,બરડા વિસ્તાર.નુક્શાનની ભીતિ.

(૩) ધોરાજી. યાર્ડમાં કપાસને નુક્શાન.

(૪)કોટડાસાંગાણી તાલુકા. કપાસ,જીરુ,લસણ,ડુંગળીને નુક્શાન 

(૫)હળવદ પંથક. ઉભા પાકને નુક્શાનની ભીતિ.

(૬)જુનાગઢ,માણાવદર,વિસાવદર આજે સવારે. 

(૭)મોરબી જિલ્લામાં માવઠાં. 

(૮)સોમનાથ-વેરાવળમાં એક ઈંચ કમોસમી વરસાદથી ખેતરોમાં ચણા,ડુંગળી,જીરુ,વગેરે પાકને નુક્શાન.    (૯) જામનગર, ધ્રોલ, કાલાવડ, લાલપુરમાં મોડી રાત્રે ઝાપટાં. 

(૧૦)જામજોધપુર યાર્ડમાં મગફળીને અંશતઃ નુક્શાન.

(૧૧)ગોંડલ પંથકમાં સાંજે,રાત્રે વરસાદ. રવિ પાકને નુક્શાન.

(૧૨)વાંકાનેરમાં રસ્તા પર પાણી વહ્યા. 

(૧૩)તલાલા પંથક. ૧૩૬૮૦ હે.માં પાકને અને  જે આંબામાં ફ્લાવરીંગ શરુ થયું તેને નુક્શાનની  ભીતિ.

(૧૪)અમરેલી છૂટોછવાયો. લીલીયા મોટા પંથકમાં પાકને નુક્શાનના અહેવાલ.

(૧૫)જેતપુરમાં યાર્ડમાં મગફળીના પાકને નુક્શાન.

(નોંધઃ આ ઉપરાંત છૂટાછવાયા અનેક સ્થળે વરસાદથી કૃષિ પાકને આંશિક નુક્શાનની  ભીતિ સર્જાઈ છે.)



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/377QO6q

0 Response to "સૌરાષ્ટ્રમાં બીજા દિવસે માવઠું, મગફળી સહિત પાકોને નુક્શાન"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel