
મહેસાણા દૂધસાગર ડેરીના 1126 મતદારની આખરી યાદી જાહેર
વિસનગર, તા.11 ડીસેમ્બર 2020, શુક્રવાર
દૂધસાગર ડેરી નિયામક મંડળની ચૂંટણીના ચૂંટણી અધિકારી તરીકે વિસનગર પ્રાન્ત ઓફિસરને જવાબદારી સોંપતા ડેરીની ચૂંટણી માટે અત્યારે વિસનગર યુધ્ધભૂમિ બની ગયું છે. મતદાર યાદી ચકાસણીમા ભાજપના ટેકેદારોની ઉપસ્થિતિને લઈ વિપુલ ચૌધરીના ટેકેદારોએ ભારે હોબાળો મચાવી ધરણા કરતા અડધી રાત્રે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. રાત્રે ૧૦ જેટલા ટેકેદારોની અટકાયત કરી છોડી મુકવામાં આવ્યા હતા. આજરોજ આશરે ૩.૩૦ કલાકે ચૂંટણી અધિકારીએ ૧૧૨૬ મતદારોની આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરી હતી.
વિસનગર તાલુકા સેવા સદનમાં દૂધસાગર ડેરીની ચૂંટણીના ચૂંટણી અધિકારી તેમજ પ્રાન્ત ઓફીસર સી.સી. પટેલને કામચલાઉ મતદાર યાદીમાં વાંધા અરજીઓની સુનાવણી બાદ મતદાર યાદીની ચકાસણી હાથ ધરી હતી. ચૂંટણી અધિકારી ઉપરાંત મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર રાજુભાઈ બ્રહ્મભટ્ટ, ઓડીટર એન.આઈ. પટેલ, સ્પેશ્યલ ઓડીટર વર્ગ-૨ ના વી.એ. પટેલ, સબ ઓડીટર રેકર્ડ જે.પી. પટેલની હાજરીમાં મતદાર યાદી ચકાસણી કામગીરી ચાલતી હતી. ચકાસણી દરમિયાન ડેરીના પ્રતિનિધિ તરીકે ફાલ્ગુન ચૌધરી હાજર રહેતા વિપુલ ચૌધરીના ટેકેદારોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
ભાજપના ટેકેદારો ઓફીસમાં બેઠા હોવાના આક્ષેપથી ચૂંટણી અધિકારીએ વિપુલ ચૌધરીના ટેકેદારો સાથે ઓફીસમાં કોણ કોણ બેઠું છે તેની ખરાઈ કરાવી હતી. જેમાં ડેરીનો કર્મચારી ફાલ્ગુન ચૌધરી કયા આધારે ઓફીસમાં બેઠો છે તેના પ્રશ્નમાં ચૂંટણી અધિકારીએ ડેરીના એમ.ડી.ના પ્રતિનિધિ તરીકે હાજર રહ્યો હોવાનું જણાવ્યું હતું. ફાલ્ગુન ચૌધરી અશોક ચૌધરીનો ટેકેદાર હોવાથી વિપુ ચૌધરીના ટેકેદારો તાલુકા સેવા સદનના કમ્પાઉન્ડમાં ધરણા પર બેસી હઠ પકડી હતી કે ફાલ્ગુન ચૌધરી બહાર નહીં નીકે ત્યાં સુધી ખસીશુ નહીં. કમ્પાઉન્ડમાં ભાજપના ટેકેદારો પણ હતા ત્યારે પરિસ્થિતિ વણશે તેમ જણાતા મોડી રાત્રે ૧૨.૦૦ કલાકે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. ત્યારબાદ આજરોજ બન્ને પક્ષના ટેકેદારો આખરી મતદાર યાદી મેળવવા માટે સવારથી જ તાલુકા સેવા સદનના કમ્પાઉન્ડમાં ગોઠવાઈ ગયા હતા. ત્યારે ચકાસણી પૂર્ણ કર્યા બાદ ૩.૩૦ કલાકે ચૂંટણી અધિકારીએ મહેસાણા, પાટણ અને ગાંધીનગર જિલાની દૂધ મંડળીના ૧૧૨૬ મતદારોની યાદી જાહેર કરી હતી.
મતદાર યાદીની ચકાસણી ટાણે હોબાળો
ડેરીની મતદાર યાદી સંદર્ભેના વાધાની ચકાસણી ટાળે મોટો હોબાળો થાય તેમ જણાતા ચુસ્ત પોલીસ બંદોબસ્ચ્વચ્ચે ફાલ્ગુન ચૌધરીને ગાડીમાં બેસાડી બહાર કાઢવામાં આવ્યો હતો. રાત્રે ૧.૦૦ કલાકે ૧૦ થી ૧૨ જેટલા વિપુલ ચૌધરીના ટેકેદારોની અટકાયત કરી વિસનગર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. જેમને અડધો કલાક બાદ છોડી મુકવામાં આવ્યા હતા.
વિપુલ ચૌધરી જુથના 27 મતદારોને રદ કરાયાના આક્ષેપ
જેમાં વિપુલભાઈના સમર્થનવાળી ૨૭ મંડળીના મતદારોના નામ રદ્ કર્યા હોવાનો ટેકેદારોએ રોષ વ્યક્ત કર્યો હતો અને સાંજે રદ્ કરાયેલા નામો મતદાર યાદીમાં સમાવેશ કરાવવા માટે વકીલ મારફતે નામદાર હાઈકોર્ટમાં જવાની પ્રક્રિયા શરૃ કરી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mdgCT3
0 Response to "મહેસાણા દૂધસાગર ડેરીના 1126 મતદારની આખરી યાદી જાહેર"
Post a Comment