
ખેતરોના વાવેતરમાં વીજ થાંભલાની કામગીરી ધારાસભ્યએ બંધ કરાવી
પાલનપુર,તા.11 ઓક્ટોબર 2020, રવિવાર
વાવ તાલુકાના રાધાનેસડાથી ખીમાણાવાસ જતી સોલાર વીજ લાઈનમાં કોન્ટ્રાક્ટર દ્વારા ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના જ વાવેતર કરાયેલા ખેતરોમાં વીજ થાંભલા નાખવાની કામગીરી કરવામાં આવતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠયો છે. જોકે કારેલી ગામે વાવેતર વચ્ચે વીજ થાંભલા નાખવાની કામગીરીનો ખેડૂતોએ વિરોધ કરતાં સોલાર કંપનીના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા ખેડૂતોને પોલીસ મથકે તાણી જવાની ધમકી આપતા વાવના ધારાસભ્યને રજૂઆતો કરાઈ હતી. જેને લઈ ધારાસભ્ય દોડી આવ્યા હતા અને વીજ લાઈનની કામગીરી બંધ કરાવી હતી.
બનાસકાંઠા જિલ્લાના છેવાડે આવેલ વાવ તાલુકામાં પસાર થતી ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ પેટા કંપનીની ૨૨૦ કેવી રાધાનેસડા (સોલાર પાર્ક)થી ખીમાણાવાસ જતી વીજ લાઈનનું ખેડૂતોને વળતર ચુકવવામાં આવ્યું ન હોવા અંગે થરાદ પ્રાંત કલેક્ટરને રજૂઆત કરાઈ છે. તેમછતાં સોલાર કંપની દ્વારા ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના જ ચોમાસુ વાવેતરમાં વીજ લાઈનનું કામ ચાલુ કરવામાં આવતાં ખેડૂતોમાં ભારે રોષ છવાયો હતો અને વીજ લાઈનમાં ખેડૂતોના વાવેતરને થતા નુકશાન અંગે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને રજૂઆત કરવામાં આવતા ધારાસભ્ય ખેડૂતો સાથે કારેલી ગામડી ગામે દોડી આવ્યા હતા. અહીં કોન્ટ્રાક્ટરને બોલાવી વીજ લાઈનનું કામ તાત્કાલિક ધોરણે બંધ કરાવ્યું હતું. જેને લઈ ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ હતી. જોકે આ વીજ લાઈનમાં ખેડૂતોને વળતર ચુકવવામાં ઠાગાઠૈયા કરવામાં આવતા હોય તંત્ર દ્વારા ખેડૂતોને તાત્કાલિક ધોરણે વળતર ચુકવવા માટે ઘટતુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ખેતરોમાં લાઈન નાખવા ખેડૂતોને ધાકધમકીઓ અપાય છે: ધારાસભ્ય
વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે કારેલી ગામે ૨૨૦ સોલાર વીજ લાઈનનું કામ ચાલુ છે. જેમાં પોલીસ તેમજ અધિકારીઓ દ્વારા ખેડૂતોને ખોટી રીતે હેરાન કરી ધાકધમકી અપાતી હોવાની ફરિયાદને લઈ ઘટનાસ્થળની મુલાકાત લેતા અહીં ખેડૂતોનો ઉભો પાક બગડતો હોય અને તેમને કોઈપણ જાતનું વળતર ચુકવવામાં આવ્યું ન હોઈ હાલ કામ બંધ કરાવ્યું છે. અને જો કંપની વાળા બળજબરી કરશે તો અમે ખેડૂતો સાથે ઉગ્ર આંદોલન કરશું.
બળજબરી પૂર્વક ખેતરોમાં ખોદકામ કરાય છે: ખેડૂતો
કારેલી ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે અમારા ખેતરોમાં અમને કોઈપણ પ્રકારની જાણ કે વળતર આપ્યા વિના અધિકારીઓ પોલીસ સાથે આવી બળજબરીપૂર્વક અમારા ખેતરોમાં ઉભા પાકમાં ખોદકામ કરે છે. જેને લઈ અમે પ્રાંત કલેક્ટરને લેખિત રજૂઆત કરવા છતાં કંપની કોન્ટ્રાક્ટર દ્વારા કામ બંધ ના કરાતા અમે ધારાસભ્યને રજૂઆત કરી હતી. જેને લઈ તેમણે કામ બંધ કરાવ્યું છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33NKf7l
0 Response to "ખેતરોના વાવેતરમાં વીજ થાંભલાની કામગીરી ધારાસભ્યએ બંધ કરાવી"
Post a Comment