અમેરિકી નાગરિકોને છેતરતા 'મોબાઈલ' કોલ સેન્ટર શરૂ થયાં

અમેરિકી નાગરિકોને છેતરતા 'મોબાઈલ' કોલ સેન્ટર શરૂ થયાં


અમદાવાદ, તા. 29 ઓક્ટોબર, 2020, ગુરૂવાર

અમેરિકી નાગરિકોને છેતરતાં કોલ સેન્ટરનું હબ બની ચૂકેલાં અમદાવાદમાં હવે મોબાઈલ કોલ સેન્ટર શરૂ થયાં છે. વર્ષ 2016માં મુંબઈ પોલીસે થાણે વિસ્તારમાંથી કોલ સેન્ટર પકડી અમદાવાદના શેગી ઠાકર અને સાગરિતોને પકડી પાડયાં હતાં. અમદાવાદથી મુંબઈ શિફ્ટ થયેલાં ચિટીંગના કોલ સેન્ટર હવે ફરી અમદાવાદમાં ચાલવા લાગ્યાં છે.

ચોંકાવનારી બાબત એ છે કે, અમેરિકી નાગરિકોને છેતરતાં ચિટિંગના કોલ સેન્ટર હવે મોબાઈલ ફોન પર ચાલવા લાગ્યાં છે. કોલ સેન્ટરના ગોરખધંધાની આંટીઘૂંટીને જાણતાં પોલીસ સૂત્રોએ એવો ઘટસ્ફોટ કર્યો છે કે, અમેરિકી નાગરિકોને છેતરતાં કોલ સેન્ટર હવે મોબાઈલ ફોન પર શરૂ થતાં ફરી વખત અમદાવાદ અને ગુજરાતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે આ કૌભાંડમાં ચર્ચાસ્પદ બની છે. 

પોલીસ સૂત્રો કહે છે કે, અમદાવાદમાં બેઠાં-બેઠાં અમેરિકી નાગરિકોને છેતરતાં કૌભાંડી કોલ સેન્ટરની શરૂઆત ગુજરાતના ભાવનગરથી થઈ હતી. અમેરિકી નાગરિકો સાથે વાતચિત કરી શકે તેવા કોલરની તલાશમાં આ ગોરખધંધો અમદાવાદમાં શિફ્ટ થયો હતો. વર્ષ 2008-09ના અરસામાં અમદાવાદમાં પહેલું કોલ સેન્ટર શરૂ થયું અને વર્ષ 2015 સુધીમાં એક ડઝન જેટલા કોલ સેન્ટરમાંથી અમેરિકી નાગરિકોને પે-ડે લોન આપવાના બહાને છેતરવાનું શરૂ થઈ ચૂક્યું હતું.

વર્ષ 2013માં  સેટેલાઈટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહેલું કોલ સેન્ટર પકડાયું તે પછી અમુક પોલીસ કર્મચારીની હપ્તાખોરી અને મેળાપિપણાની વિગતો પણ બહાર આવી હતી. અમેરિકન ગવર્નમેન્ટે ભારત સરકારને અમેરિકી નાગરિકોને છેતરવાનો ગોરખધંધો ગુજરાત, અમદાવાદથી ચાલતો હોવાની જાણ કરી હતી. આ પછી, શહેર પોલીસના ઉપરી અિધકારીઓએ કોલ સેન્ટરનો સર્વે કર્યો અને ભીંસ વધતાં આખરે કોલ સેન્ટરનો ધંધો મુંબઈ શિફ્ટ થયો હતો.

મુંબઈ પોલીસે વર્ષ 2016માં તોસ્તાન કોલ સેન્ટર કૌભાંડનો પર્દાફાશ કર્યો. આ કોલ સેન્ટર કૌભાંડના સુત્રધાર તરીકે ગુજરાતના સાગર ઠાકર ઉર્ફે શેગીનું નામ પ્રકાશમાં આવ્યું હતું. જો કે, એ પહેલાં અમદાવાદ અને ગુજરાતના નિરવ રાયચૂરા, કૃણાલ નાગરાની, હિતેષ હિંગળાજ સહિતના નામો પોલીસ સુધી પહોંચી શક્યાં હતાં. અમેરિકીના ટેક્સાસ પરગણાની પોલીસ અને મુંબઈ પોલીસે કરેલી કાર્યવાહીમાં શેગી ઠાકર, હિતેષ હિંગળાજ અને કુણાલ સામે કાર્યવાહી થઈ ચૂકી છે.

જો કે, કોલ સેન્ટર કૌભાંડમાં બાલ-બાલ બચતો રહેલો નિરવ રાયચુરા તાજેતરમાં જ આનંદનગર પોલીસના હાથ ઝડપાઈ ગયો હતો. લેવીશ લાઈફસ્ટાઈલ જીવતા નિરવને દારૂની મહેફિલ કરતાં ઝડપી લેવામાં આવ્યો હતો. ઝોન-7 ડીસીપી પ્રેમસુખ ડેલુએ કરાવેલી કાર્યવાહી બાદ રૂરલ એસ.પી. વિરેન્દ્રસિંહ યાદવની મદદ લેવામાં આવી અને નિરવ રાયચુરાના ઘરેથી પણ દારૂ મળતાં કાર્યવાહી કરાઈ છે.

દારૂના સામાન્ય કેસમાં નિરવ રાયચુરાને ઝડપી લેવામાં આવ્યો છે. પણ, કોલ સેન્ટર કૌભાંડના બદલાયેલા સ્વરૂપ અંગે કોઈ તપાસ પોલીસે કરી નથી. કોલ સેન્ટર કૌભાંડના જાણકાર પોલીસ સૂત્રો કહે છે કે, અગાઉ કોલ સેન્ટર કૌભાંડ પકડાયાં ત્યારે નિરવ રાયચુરા ઉપરાંત કુનાલ અને સુનિલ નાગરાની નામના બે ભાઈ ટેકનોલોજીના માસ્ટર હોવાની જાણકારી મળી હતી. જો નિરવ રાયચુરાની સઘન પૂછપરછ થાય તો મોબાઈલ કોલ સેન્ટરના કૌભાંડનો ચિતાર પોલીસને મળી શકે તેમ હોવાનું પોલીસ સૂત્રો ચર્ચે છે.

મોબાઈલ ફોનથી ઓનલાઈન સટ્ટાની માફક જ મોબાઈલ કોલ સેન્ટર

મોબાઈલ ફોનથી ધૂમ ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાઈ રહ્યો છે. આ જ પ્રકારે મોબાઈલ ફોનથી ઓનલાઈન કોલ સેન્ટર ધમધમવા લાગ્યાં છે. ક્રિકેટ સટ્ટાની અગણિત એપ્લિકેશન માર્કેટમાં આવી ગઈ છે અને તેની આઈ.ડી. આપીને આઈપીએલમાં કરોડો રૂપિયાનો સટ્ટો બૂક કરવામાં આવી રહ્યો છે. આ જ પદ્ધતિ હવે કૌભાંડી કોલ સેન્ટરના સંચાલકોએ પણ અપનાવી હોવાનું સૂત્રો કહે છે. 

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, હવે અમેરિકી નાગરિકોને છેતરવા માટે ઓફિસ ભાડે રાખીને કોલ સેન્ટર ચલાવાતાં નથી. અગાઉ 100 જેટલા કમ્પ્યુટર રાખીને કોલ સેન્ટર ચલાવવામાં આવતાં હતાં. હવે, કોલ સેન્ટરના કામના જાણકાર યુવકોને મોબાઈલ ફોનથી જ અમેરિકી નાગરિકોનો સંપર્ક કરી શકે તેવી એપ્લિકેશન નાંખી આપવામાં આવે છે. થોડા દિવસો પહેલાં જ રિવરફ્રન્ટ નજીકથી જ બે યુવકો મોબાઈલ ફોન પર ક્લોઝીંગ કરતાં  પકડાયા હતા. હવે, મોબાઈલ કોલ સેન્ટર પકડવાનું પોલીસ માટે આસાન નહીં હોય.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jKkiu5

0 Response to "અમેરિકી નાગરિકોને છેતરતા 'મોબાઈલ' કોલ સેન્ટર શરૂ થયાં"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel