
મ્યુનિ. ભાજપ અને કોંગ્રેસ પક્ષમાં રાજકીય ગરમાવો હવે પરાકાષ્ઠાએ
અમદાવાદ, તા. 26 ઓક્ટોબર, 2020, સોમવાર
રાજ્યના ચૂંટણી પંચે મ્યુનિ. કોર્પોરેશનની નવેમ્બરમાં યોજાનારી ચૂંટણી કોરોનાની મહામારીના કારણે ત્રણ મહિના પાછા ઠેલવાની જાહેરાત કરી દીધી હોવા છતાં બન્ને મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસમાં રાજકીય ગરમાવો પરાકાષ્ઠાએ છે. કોંગ્રેસે છેલ્લા દિવસોમાં વિપક્ષના નેતાનું રાજીનામું લઈને, પેટ ચોળીને પીડા ઉભી કરી છે. જ્યારે ભાજપના સત્તાવાળાઓ તેમની સત્તાને એક્ષ્ટેન્શનનું 'દીવાળી બોનસ'મળે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.
ભાજપના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, નેતા, દંડક, નાની કમિટીઓના હોદ્દેદારો અને કોર્પોરેટરોની મુદત ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં પૂરી થાય છે પરંતુ મહામારીના વિશિષ્ટ સંજોગોમાં સત્તાકાળ ત્રણ ચાર મહિના લંબાય તો વધુ સત્તા ભોગવી લેવાની મનસા સાથે સરકારી આદેશની આતુરતાથી પ્રતીક્ષા કરી રહ્યા છે. જ્યારે સરકાર અને સંગઠનના મોવડીઓ આ માટેની કાયદાકીય જોગવાઈઓનો અભ્યાસ કરી રહેલ છે.
2000માં છેલ્લે પી. કે. લહેરી વહીવટદાર હતા અને ત્યાર પછી થયેલી ચૂંટણીમાં કોંગ્રેસનું 2000થી 2005 દરમ્યાન શાસન આવી ગયું હતું. વહીવટદારના શાસન પછી આવતી ચૂંટણીમાં કોંગ્રેસ આવી જાય છે, તેવી માન્યતા ઉપસી આવી હોવાથી, હાલના શાસકોની ટર્મને જ લંબાવી દેવાની બાબત પર ભાર મુકાઈ રહ્યો છે.
જો કે વર્તમાન કોર્પોરેટરોમાંથી કોના નામ પર કાતર ફરશે તે બાબતે ભારે ગડમથલ ચાલી રહી છે અને ખેંચતાણ તેમજ જુથબંધી વોર્ડકક્ષા સુધી પ્રસરી ગયા છે. જ્યારે કોંગ્રેસના સંગઠનમાં ચુંટણીની કોઈ તૈયારીની ઝલક માત્ર દેખાતી નથી. સામેથી ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેેેમ જૂથબંધી અને ખેંચતાણ વકરતા જાય છે.
વિપક્ષના નેતાને રાજીનામું અપાયા બાદ નવા નેતાની અધિકૃત નિયુક્તિમાં અસહ્ય વિલંબ થઈ રહ્યો છે. નવા નક્કી થનારા નામમાં પણ દેકારો થવાનો જ છે. શહેર સંગઠનના ઠેકાણાં નથી ત્યાં વોર્ડકક્ષાની વાત કરવી જ અનુચિત ગણાય. કોંગ્રેસના નેતાઓની ઉંઘ નહી ઉડે તો હાલ 48 જેટલા કોર્પોરેટરો છે તેમાં પણ ઘટાડો નોંધાશે.
ભાજપના 15 વર્ષના શાસન સામે ઉભો થયેલો અસંતોષ અને એન્ટી ઇન્કમબન્સીનો લાભ ઉઠાવી શકવાનું કોંગ્રેસનું ગજું જ નથી. આ અંગેની માનસિકતા, રાજકીય- સામાજીક એન્જિનિયરિંગ કે માનસિકતા જ નથી. દિવાળી બાદ બન્ને પક્ષોનું સ્ટેન્ડ થોડાઘણા અંશે ક્લીયર થશે. ટર્મ લંબાય તો પણ સત્તા સ્થાને બેઠેલા હોદ્દેદારો શોભાના ગાંઠીયા તરીકે રહેશે કે ચોકકસ સત્તા સાથે રહેશે તે બાબત સ્પષ્ટ થઈ જશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3e1x9af
0 Response to "મ્યુનિ. ભાજપ અને કોંગ્રેસ પક્ષમાં રાજકીય ગરમાવો હવે પરાકાષ્ઠાએ"
Post a Comment