
ભાવનગર જેલમાં જેલ સહાયક સાથે ઝપાઝપી કરી કેદીઓએ આપી ધમકી
- મોજાના દડામાંથી બુધાલાલ, વિમલ અને સુગંધીત તમાકુની પડીકીઓ મળી આવી : પાંચ કેદી સામે નોંધાવાઇ ફરિયાદ
ભાવનગર, તા. 15 ઓક્ટોબર 2020, ગુરૂવાર
ભાવનગર જિલ્લા જેલમાં બહારથી ફેંકાયેલ દડો કેદી પાસેથી જેલ સહાયકે આંચકીને લઇ લીધાની દાઝ રાખી પાંચ કાચા કામના કેદીઓએ એકસંપ કરી જેલ સહાયક સાથે ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોજાનો દડો ખોલી ચકાસણી કરતા તેમાંથી બુધાલાલ, વિમલ અને સુગંધીત તમાકુઓની પડીકીઓ મળી આવી હતી.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લા જેલના જેલ સહાયક રાજુભાઇ બાલાભાઇ સોલંકી (ઉ.વ.૨૪)એ નિલમબાગ પોલીસ મથકમાં જિલ્લા જેલના કાચા કામના કેદી મોહીત ઉર્ફે મોદી પ્રભાતભાઇ મકવાણા, કોર્ણાક ધર્મેન્દ્રભાઇ સોલંકી, જયદીપસિંહ ઉર્ફે જયદીપ લાખાણી ભાવસિંહ ઉર્ફે વિક્રમસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઇનુ વિક્રમસિંહ ગોહિલ, હર્ષ ભરતભાઇ ડોડીયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, આજે સાંજના ૫.૩૦ કલાકના અરસા દરમિયાન જેલની બહારના ભાગેથતી મોજાનો બનાવેલ દડો જિલ્લા જેલમાં આવતા મોહિત ઉર્ફે મોદીએ દડો લેતા તેઓએ તેની પાસેથી દડો મેળવી લઇ ઝડતી સ્કવોર્ડના જેલ સહાયકને સોંપી દડો ખોલતા તેમાંથી બુધાલાલ તમાકુની ૬ પડીકી, વિમલની ૩ તેમજ સુગંધીત તમાકુની ૭ નાની પડીકી મળી આવી હતી. ત્યાર બાદ તેઓ અન્ય કેદીઓની મુલાકાતે જતા ઉક્ત તમામે એકજુથ કરી તેઓ સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તેઓની ફરજમાં રૂકાવટ કરી હતી. ઉક્ત ફરિયાદ અનુસંધાને નિલમબાગ પોલીસે કેદી અધિનીયમ ૪૨, ૪૩, ૪૫(૧૨), તેમજ આઇપીસી ૧૪૩, ૧૮૬, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
0 Response to "ભાવનગર જેલમાં જેલ સહાયક સાથે ઝપાઝપી કરી કેદીઓએ આપી ધમકી"
Post a Comment