
સિધ્ધપુરમાં દશેરાના દિવસે પરંપરાગત પતંગોત્સવ ઉજવાયો
સિધ્ધપુર, તા.25 ઓક્ટોબર 2020, રવિવાર
સિધ્ધપુરમાં વર્ષો જુની પરંપરા પ્રમાણે દશેરા નિમિત્તે ભારે હર્ષોલ્લાસથી પતંગોત્સવ ઉજવવામાં આવ્યો હતો. એક લોકવાયકા પ્રમાણે પાટણના રાજા સિધ્ધરાજ જયસિંહ ઉત્તરાયણના દિવસે અવસાન થયું હોવાથી સિધ્ધપુરવાસીઓ ઉત્તરાયણના બદલે દશેરાના દિવસે પતંગ ચગાવી પતંગોત્સવના રોમાંચ સાથે એ... કાપ્યો... એ કાપ્યો...ની બુમો સાથે ધાબાઓમાં ચિચિયારીઓ સાથે આનંદ માણી રહ્યા હતા.
સિધ્ધપુરની આ જુની પરંપરા અનુસાર આજે શહેરીજનો આ પર્વ મનાવવા છેલ્લા એક મહિનાથી ફુલ તૈયારીઓ કરી રહ્યા હતા. કોરોનાની મહામારી વચ્ચે આ વર્ષે દશેરાની પૂર્વ સંધ્યાએ બજારોમાં પતંગો તેમજ દોરી પીવરાવવા માટે ખુબ ઓછી ભીડ જામી હતી તેમજ પતંગ રસીયાઓ વહેી સવારની રાહ જોઈ રહ્યા હતા. પતંગ રસીયાઓ સવાર પડતાની સાથે જ પોતાના ધાબા ઉપર ચઢી ગયા હતા અને પતંગ ચગાવી આ મહોત્સવને ભારે હર્ષોલ્લાસપૂર્વક માણ્યો હતો. વહેલી સવારથી લઈ સાંજના સુરજ આથમે ત્યાં સુધી એ... કાપ્યો... એ કાપ્યો... ની ચિચિયારીઓથી શહેર ગુંજી ઉઠયું હતું સાથે સાથે સિધ્ધપુરવાસીઓએ ફાફડા, જલેબીની મોટા પ્રમાણમાં જયાફત માણી હતી. નાના બાળકો સહિત મોટેરાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળતા ગલી, શેરીઓ તેમજ છાપરા અને ધાબા પર ચઢી આજના દિવસે પતંગ ચગાવી પતંગોત્સવની ઉજવણી કરી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jrhbHl
0 Response to "સિધ્ધપુરમાં દશેરાના દિવસે પરંપરાગત પતંગોત્સવ ઉજવાયો"
Post a Comment