
નર્મદા યોજનાની બે ડીસ્ટ્રીબ્યુટરી કેનાલોમાં ભ્રષ્ટાચારના ગાબડા
રાધનપુર, તા. 17 ઓક્ટોબર 2020, શનિવાર
રાધનપુર સબ બ્રાન્ચ કેનાલમાંથી નીકળેલી ગડસઈ અને લુણીયાચા ડીસ્ટ્રીબ્યુટરી કેનાલોમાં ભ્રષ્ટાચારના ગાબડા પડતા ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન થવા પામ્યું હતું. વારંવાર તુટતી કેનાલો બાબતે નિગમમાં રજુઆતો કરવા છતાં નિગમના અધિકારીઓ દ્વારા કેનાલોના સમારકામ બાબતે નક્કર કામગીરી કરાવવામાં ન આવતી હોવાને કારણે નર્મદા નિગમ સામે ખેડૂતોમાં રોષ વ્યાપ્યો હતો.
રાધનપુર તાલુકાના ગોતરકાની સીમમાં આવેલ નર્મદા સબ બ્રાન્ચ કેનાલમાંથી નીકળેલી ગડાઈ ડીસ્ટ્રીબ્યુટરી અને લુણીયાચા ડીસ્ટ્રીબ્યુટરી કેનાલોમાં પાણી વધારે છોડવામાં આવતા બંને કેનાલોમાં ગાબડા પડયા હતા. જેમાં ગોતરકા ગામની સીમમાં આવેલ રે.સ.નં.માંથી નીકળતી ગડસઈ કેનાલમાં ગાબડું પડવાને કારણે કેનાલનું પાણી ખેતરમાં ફરી વળ્યું હતું. ગઈકાલે ખેતરમાંથી વાઢેલી ચારના પુળા તેમજ ખેતરમાં બાકી રહેલ ચારમાં પાણી ફરી વળતા ખેડૂતને નુકશાન થવા પામ્યું હતું. જ્યારે ગત જાન્યુઆરીમાં કેનાલ તુટી હતી ત્યારે ખેતરમાં વાવેતર કરેલ ઘઉંના પાકમાં પાણી ફરી વળતા નુકસાન થવા પામ્યું હતું. જે બાબતે ખેડૂત અરજણભાઈ આહીર દ્વારા રાધનપુર નર્મદા નિગમની કચેરી ખાતે લેખિત રજુઆત કરવામાં આવી હતી. આજે કેનાલ તુટવાને કારણે ચારેક હજાર ઘાસના પુળા બગડી જતા અમોને નુકસાન થયું હોવાનું પણ ખેડૂતે જણાવ્યું હતું. જ્યારે લુણીચાણા ડીસ્ટ્રીબ્યુટરી કેનાલમાં પણ પાણી વધારે આવતા ગાબડું પડયું હતું. જેને લઈને ખેતરોમાં કેનાલના પાણી ફરી વળતા ખેડૂતોમાં બુમરાડ ઉઠવા પામી હતી અને કેનાલનો ગેટ બંધ કરવામાં ના આવતા ખેતરોમાં હજુ પાણી ભરાય છે અને પાણીને કારણે આગામી શિયાળુ વાવેતર કરવું મુશ્કેલ બન્યું. ચોમાસામાં પડેલ ભારે વરસાદને કારણે ખેતરોના પાક બગડયા હતા અને હવે કેનાલો તુટવાને કારણે ખેતરોમાં પાણી ભરાતા આગામી સિઝન માટે વાવેતર કેવી રીતે કરવું આ વાતને લઈને ખેડૂતોની હાલત કફોડી બની જવા પામી હતી.
કેનાલોની મરામત કે સફાઈ કરવામાં નથી આવતી
નર્મદા નિગમ દ્વારા તાલુકામાં તમામ કેનાલોની સફાઈ, મરામત તેમજ ગેટ ઓપરેટરો રાખવા બાબતે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે પરંતુ કેનાલોની સફાઈ કે મરામત કરવામાં ના આવતા કેનાલોમાં ઠેરઠેર ભુવા પડયા છે અને આ વર્ષે કેનાલોની કોઈ જ કામગીરી કરવામાં નથી આવી. જેને લઈને કેનાલોમાં ગાબડું પડયું હોવાનું કલ્પેશભાઈ દેશુળભાઈએ જણાવ્યું હતું.
ખેડૂતોની રજુઆત બાબતે ઈજનેર અજાણ
કેનાલ તુટવા બાબતે ખેડૂતોએ કરેલ અગાઉની રજુઆત બાબતે ખબર નથી. જ્યારે આજે રજુઆત થતા રૃબરૃ આવેલા નાયબ કાર્યપાલક ઈજનેરે જણાવ્યું હતું કે રાધનપુર તાલુકામાં ઈન્ફાટેક નામની એજન્સીને કેનાલોની કામગીરીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે અને પાણી છોડવાથી કંઈપણ નુકસાની થાય તેની સંપૂર્ણ જવાબદારી એજન્સીની છે અને આજે ખેડૂતોને જે કંઈ નુકશાન થયું છે તેનું વળતર સર્જન ઈન્ફોટેકને ચુકવવું પડશે તેવું ઈજનેર કાર્તિકભાઈએ જણાવ્યું હતું.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IHMotl
0 Response to "નર્મદા યોજનાની બે ડીસ્ટ્રીબ્યુટરી કેનાલોમાં ભ્રષ્ટાચારના ગાબડા"
Post a Comment