
આણંદમાં બાઇક ચોર ટોળકીનો સાગરિત પકડાતા ચોરીના 9 ગુનાના ભેદ ઉકેલાયા
- બાઈક ચોરે બે મહિના પૂર્વે આણંદ, વિદ્યાનગર, દાહોદમાં વાહનો ચોર્યા હતા : પોલીસે રૂા. ૧.૬૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
આણંદ, તા. 15 ઓક્ટોબર 2020, ગુરુવાર
આણંદ શહેર પોલીસની ટીમે વાહન ચેકીંગ દરમ્યાન શહેરના વ્યાયામ શાળા રોડ પરથી એક અઠંગ બાઈકચોરને ઝડપી પાડયો હતો. પોલીસે તેની પાસેથી ચોરી કરેલ કુલ નવ મોટરસાયકલો મળી કુલ્લે રૂા. ૧.૬૨ લાખનો મુદ્દામાલ કબજે લઈ ઝડપાયેલ શખ્સ વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ આણંદ શહેર પોલીસની ટીમ શહેરના વ્યાયામશાળા રોડ પર વાહન ચેકિંગમાં હતી. દરમ્યાન મૂળ ઝાલોદ તાલુકાના આંબાભુરી કોતરડીનો રહેવાસી અને હાલ આણંદની ગોપી ટોકિઝ સામે આવેલ ઈંદિરા નગરી ઝૂંપડપટ્ટીમાં રહેતો સુનિલ કલસીંગ બારીયા નંબર પ્લેટ વગરની એક મોટરસાયકલ લઈને વ્યાયામ શાળા રોડ પરથી પસાર થતા પોલીસે શંકાના આધારે તેની અટકાવ્યો હતો.
પોલીસે તેની પાસે મોટરસાયકલના જરૂરી કાગળો માંગતા તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહતો. જેથી પોલીસે ઈ-ગુજ.કોપ એપ્લીકેશનની મદદથી નંબરની ચકાસણી કરતા આ મોટરસાયકલ ચોરી કરી મેળવેલ હોવાનું જણાતા પોલીસે સુનીલ બારીયાની કડકાઈથી પૂછપરછ હાથ ધરતા સદર મોટર સાયકલ તેણે આશરે બે માસ પૂર્વે આણંદની સુરભી હોટલ પાછળથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. દરમ્યાન પોલીસે ઝડપાયેલ શખ્સની વધુ પૂછપરછ હાથ ધરતા તેણે આણંદ, વિદ્યાનગર તથા દાહોદ જિલ્લાના લીમડી વિસ્તારોમાંથી અન્ય નવ મોટરસાયકલની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તમામ નવ મોટરસાયકલ મળી કુલ્લે રૂા. ૧.૬૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી સુનીલ કલસીંગ બારીયા સામે વાહનચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ અને વિદ્યાનગરમાંથી ચોરાયેલા છ બાઈક કબજે લેવાયા
આણંદના વ્યાયામશાળા રોડ પરથી શહેર પોલીસના હાથે ઝડપાયેલ અઠંગ બાઈકચોર જૂના બાઈકોમાં ઘસાઈ ગયેલ લોકમાં ચાવી લગાવી તેમજ લોક વગરના બાઈકોમાં જૂની ચાવી વડે લોક ખોલી મોટરસાયકલની ચોરી કરતો હોવાની મોડસ ઓપરેન્ડી આચરતો હતો. પોલીસે આણંદ શહેરમાંથી ચોરાયેલ છ, વિદ્યાનગર વિસ્તારમાંથી એક અને દાહોદ જિલ્લાના લીમડી શહેરમાંથી ચોરેલ બે મોટરસાયકલ મળી કુલ નવ મોટરસાયકલો કબજે લીધી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nVLqde
0 Response to "આણંદમાં બાઇક ચોર ટોળકીનો સાગરિત પકડાતા ચોરીના 9 ગુનાના ભેદ ઉકેલાયા"
Post a Comment