ડીસા: 50 વર્ષમાં પ્રથમવાર બટાકાનો ભાવ મણે રૂપિયા 800ને પાર

ડીસા: 50 વર્ષમાં પ્રથમવાર બટાકાનો ભાવ મણે રૂપિયા 800ને પાર

ડીસા, તા. 21 ઓક્ટોબર 2020, બુધવાર

બનાસકાંઠામાં બટાકાના ભાવ  ઐતિહાસિક સપાટીએ પહોંચતા ખેડૂતોને વેપારીઓમાં આનંદનો માહોલ છવાયો છે. આજદિન સુધીમાં બટાકાનો ભાવ ક્યારેય ૮૦૦ રૃપિયા થયો નથી. પરંતુ આ વર્ષે ૮૦૦ રૃપિયા પ્રતિ મણ ભાવ મળતા પાંચ વર્ષની મંદીનો માર સરભર થયો છે. કોવિંડ દરમિયાન મંદિનો માર સહન કરી રહેલા ખેડૂતો અને વેપારીઓ મબલખ રૃપિયા કમાશે. કોરોનાને કારણે નોનવેજ ખાનારાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. અને બટાકાએ તમામ શાકભાજીમાં ભળી જાય તેમ હોવાથી તેનો ભાવ ઐતિહાસિક ટોચે છે તેવું જાણકારોનું માનવું છે.

બટાટા નગરી તરીકે જગવિખ્યાત ડીસા તાલુકામાં બટાટાની વાવણીની શરૃઆત થઈ રહી છે ત્યારે આવા સમયે બટાટાનો ભાવ ઉંચકાતા હાલ ડીસામાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ડીસામાં છેલ્લા પાંચ વર્ષની બટાટાની સ્થિતિ જોઈએ તો ડીસામાં દર વર્ષે સૌથી વધુ બટાટાની ખેતી થાય છે. જેના કારણે ગુજરાતમાં ડીસાને બટાટા નગરી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી બટાટામાં ભાવ ન મળતા ખેડૂતો અને વેપારીઓ મંદીમાં મુકાયા હતા. છેલ્લા પાંચ વર્ષમાં બટાટાનો ભાવ માત્ર ૧૦ થી ૧૫ રૃપિયે કિલો જ રહ્યો હતો. જેના કારણે મોંઘાદાટ બિયારણો લાવી  ખેતરાં રાતદિવસ મજુરી કરી ઉત્પાદન કરતા ખેડૂતોમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. વારંવાર બટાટાના ભાવ ઓછા થઈ જતા ડીસાના ખેડૂતોએ અનેકવાર મોટા મોટા આંદોલનો પણ કર્યા હતા. પરંતુ ડીસાનું બટાકું જાણે ખેડૂતોને દેવાદાર બનાવવા માંગતુ હોય તેમ પાંચ વર્ષ સ્થિતિ સર્જાઈ હતી.

જોકે બનાસકાંઠામાં કોરોના મહામારીના સમયમાં બટાટાના વેપારીઓ અને ખેડૂતોને ઘી કેળા જેવી સ્થિતિ બની છે. ડીસા શહેર એ બટાટા નગરી તરીકે ઓળખાય છે. દર વર્ષે લાખો ટન બટાટાનું ઉત્પાદન ડીસા અને તેની આજુબાજુના વિસ્તારમાં થાય છે. છેલ્લા પાંચ વર્ષથી આ વિસ્તારના ખેડૂતો  અને વેપારીઓ મંદીનો માર ઝીલી રહ્યા હતા. વારંવાર સરકાર પાસે સહાયની અપેક્ષા પણ કરી રહ્યા હતા. જોકે આ વર્ષે બટાટાના ભાવમાં ઐતિહાસિક વધારો મળતા વેપારીઓ તેમજ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

છેલ્લા પાંચ વર્ષથી મંદિનો માર સહન કરતા ખેડૂતો માટે સારા સમાચાર

કોરોના મહામારીના કારણે બટાટાના ભાવ ઉંચકાયા હોય તેવું વેપારીઓનું માનવું  છે. આ વર્ષે બટાટાનું વાવેતર પણ ઓછું થયું હતું અને તેનું ઉત્પાદન પણ ઓછું છે. જેના કારણે કોલ્ડ સ્ટોરેજમાં જે સંગ્રહ થતો હતો તે ઘટયો હતો. આ ઉપરાંત કોરોના મહામારીના કારણે નોન વેજિટેરિન લોકો વેજીટેરિયન ખોરાક તરફ વળ્યા છે તેના કારણે બજારમાં બટાટાની માંગ વધી છે. આ બધા સમીકરણોને કારણે બટાટાના ભાવ  ઐતિહસિક સપાટીએ પહોંચ્યા છે.

ભાવ ગગડતા અનેક કોલ્ડ સ્ટોરેજ બંધ થયા હતા

ગુજરાતમાં સૌથી વધુ બટાટા સંગ્રહ કરવા માટે ડીસામાં ૨૧૦ જેટલા કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. છેલ્લા પાંચ વર્ષમાં ડીસામાં સૌથી વધુ બટાટાનું ઉત્પાદન તુયં હતું. જેના કારણે ડીસાના તમામ કોલ્ડ સ્ટોરેજ બટાટાથી ભરાઈ ગયા હતા. પરંતુ સતત બટાટાના ભાવમાં ઘટાડો થવાનાકારણે  ડીસાના ખેડૂતો અને કોલ્ડ સ્ટોરેજના માલિકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. બીજી તરફ બટાટામાં મંદીના કારણે અનેક કોલ્ડ સ્ટોરેજોમાં બેંકોના લોનનું દેવું વધી જતાં બંધ પણ કરવામાં આવ્યા હતા. પાંચ વર્ષની બટાટામાં મંદી સહન ન થતા અનેક ખેડૂતો અને કોલ્ડ સ્ટોરેજના વેપારીઓએ આત્મહત્યા પણ કરી હતી. ત્યારે ચોક્કસથી કહી શકાય કે બટાટાએ પાંચ વર્ષમાં ખેડૂતો અને વેપારીઓને રોવડાવ્યા છે.

બટાટામાં ઐતિહાસિક ભાવવધારો

વેપારીઓ અને ખેડૂતોનું કહેવું છે કે પાંચ વર્ષમાં જે નુકસાન તેમણે સહન કર્યું છે તે આ વર્ષે તેજીના કારણે ઓછું થતું જોવા મળી રહ્યું છે. બીજી તરફ કોરોના વાયરસની મહામારીના કારણે દેવાદાર બનેલા ખેડૂતો અને વેપારીઓ હાલ મંદીમાંથી બહાર આવતા જોવા મળી રહ્યા છે અને હજુ પણ બહારના રાજ્યોમાં આ વર્ષે ઓછું ઉત્પાદન થશે તો હજુ પણ ડીસાના બટાટામાં સારા ભાવ જળવાઈ રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kqiV5i

0 Response to "ડીસા: 50 વર્ષમાં પ્રથમવાર બટાકાનો ભાવ મણે રૂપિયા 800ને પાર"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel