
13 ગામોમાં નર્મદાનાં પાણી અને ગટર લાઈન પાછળ રૂપિયા 24 કરોડ ખર્ચાશે
ગાંધીનગર, તા.26 ઓકટોબર 2020, સોમવાર
ગાંધીનગર મહાનગરપાલિકાનું વિસ્તરણ કરીને આસપાસના વિસ્તાર સમાવી લેવામાં આવ્યા છે. ત્યારે સમાવિષ્ટ ૧૮ ગામો પૈકી ૧૩ ગામોમાં નર્મદાના પાણી અને ગટરલાઈન નાંખવા માટે ગુડા દ્વારા ર૪ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવનાર છે. કોર્પોરેશનના સંકલનમાં રહીને ગુડા દ્વારા આગામી દિવસોમાં આ કામગીરી માટે ટેન્ડરની પ્રક્રિયા પણ કરવામાં આવનાર છે. આગામી વર્ષની શરૂઆતમાં જ આ કામગીરી શરૂ થઈ જાય તેવા એંધાણ વર્તાઈ રહયા છે.
રાજયના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાનું વિસ્તરણ કરીને આસપાસના ૧૮ ગામોને સમાવી લેવામાં આવ્યા છે. ત્યારે આ ગામોમાં પડી રહેલી તમામ મુશ્કેલીઓ નિવારવા માટે કોર્પોરેશન તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. સમાવિષ્ટ આ ગામોમાં ટાઉન પ્લાનીંગ વિસ્તાર સિવાય ગામતળમાં નર્મદાનું પાણી અને ગટરની વ્યવસ્થા ઉભી કરવા માટે એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં કયા ગામમાં નર્મદાનું નીર પહોંચે છે અને કયા નથી પહોંચતું અને કયાં ગટરલાઈનની વ્યવસ્થા છે અને કયાં નથી તે બાબતનો સર્વે રીપોર્ટ પણ આવી ગયો છે.
જેમાં રાંદેસણ, કુડાસણ, ભાઈજીપુરા, રાયસણ, રાંધેજા અને વાવોલમાં નર્મદાનું નીર અને ગટરલાઈન બન્ને બાકી હોવાનું ધ્યાને આવ્યું છે. જયારે નવા કોબા, જુના કોબા, કોલવડામાં નર્મદાનું નીર પહોંચે છે પરંતુ ગામમાં ગટરલાઈનની વ્યવસ્થા નથી. જયારે પેથાપુરમાં નર્મદાનું નીર પહોંચે છે પરંતુ ગટર વ્યવસ્થા નથી. જેથી આ તમામ ગામોમાં નર્મદાનું નીર પહોંચાડવા અને ગટરલાઈન નાંખવા માટે ર૪ કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. જેથી ગુડા કોર્પોરેશનના સંકલનમાં રહીને આ ગામોમાં આ સુવિધા ઉભી કરવા માટે આગામી સમયમાં ટેન્ડર પ્રક્રિયા કરવાની છે.
આ કામગીરીની સાથેસાથે કોર્પોરેશનમાં સમાવિષ્ટ ગામોમાં આરસીસી રોડ અને સ્ટ્રીટલાઈટનો પણ સર્વે કરવામાં આવનાર છે. જયાં તેની સુવિધા નહીં હોય ત્યાં કોર્પોરેશન દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવનાર છે. નોંધવું રહેશે કે કોર્પોરેશનમાં સમાવિષ્ટ આ ગામોમાં શહેર જેવી જ સુવિધા ઉભી થઈ શકે તે માટે સ્માર્ટ સીટી અંતર્ગત પણ ૬૦ કરોડ ઉપરાંતની જોગવાઈ કરવામાં આવી છે જેથી ગાંધીનગર શહેરમાં જે પ્રકારે ડીઝીટલ ટાવર, સીસીટીવી સર્વેલન્સ, વોટર એટીએમ જેવી સુવિધાઓ છે તે તમામ સુવિધાઓ આ ગ્રામ્ય વિસ્તારોમાં પણ પહોંચાડવાનું હાલના તબક્કે આયોજન કરવામાં આવ્યું છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2J67zW5
0 Response to "13 ગામોમાં નર્મદાનાં પાણી અને ગટર લાઈન પાછળ રૂપિયા 24 કરોડ ખર્ચાશે"
Post a Comment