સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદ, ધોરાજી સિવિલમાં મંડપ ધસી પડતા ભાગદોડ
- ગોંડલ,ભાયાવદર,વિસાવદર પંથકમાં કમોસમી વરસાદ, જુનાગઢમાં છાંટા, કાલથી રાજકોટ, અમરેલી, જુનાગઢમાં વરસાદની આગાહી! દનૈયા બગડયા
સમગ્ર દેશમાં ચૈત્રનું કમોસમનું ચોમાસુ છવાયું છે જેમાં સૌરાષ્ટ્ર-ગુજરાત બાકાત રહેશે તે પ્રકારની ગઈકાલે ભારતીય મેટ વિભાગે જાહેરાત કરી અને હવામાન ચોખ્ખુ થવાનું શરુ થયું હતું ત્યાં જ આજે હવામાને પલટી મારી છે અને હવે તા.૬થી ૮ ગુરુવારથી શનિવાર સુધી સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્રમાં આગાહી વગર જ અનેક સ્થળે તોફાની વરસાદ વરસ્યો હતો જેમાં ધોરાજી સિવિલ હોસ્પિટલમાં મંડપ ધસી પડતા દર્દીઓ સહિત લોકોમાં નાસભાગ મચી હતી.
ધોરાજીમાં આજે સાંજે ભારે પવન સાથે વરસાદથી અનેક સ્થળે બરફના કરાં વરસ્યા હતા અને સરકારી હોસ્પિટલના કોવિડ વિભાગમાં મંડપ કે જ્યાં દર્દીઓ,લોકો ટેસ્ટ માટે ઉભા હતા ત્યાં ભારે પવન સાથે મંડપ ધરાશાયી થતા થોડીવાર માટે નાસભાગ મચી ગઈ હતી. જેતપુર રોડ પર એક વૃધ ધસી પડયું હતું. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
વિસાવદર પંથકમાં આજે ફરી કમોસમી વરસાદથી માર્ગો પર પાણી વહેતા થયા હતા અને કેસર કેરીના પાકને નુક્શાન વધ્યું હતું. જુનાગઢ જિલ્લામાં છેલ્લા સપ્તાહથી રોડ સાંજે હવામાન પલટાય છે અને આ રીતે વરસાદ આવતો રહ્યો છે જે કારણે આંબા પરથી કેરીઓ ખરી પડી હતી. જુનાગઢમાં મેઘાડંબર વચ્ચે છાંટા વરસ્યા હતા. ઉપલેટા તુલાકના ભાયાવદરમાં આજે સાંજે એક ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. ઝાડ ધસી પડતા નીચે વાહનોને નુક્શાન પહોંચ્યું હતું. ગોંડલમાં પણ સાંજે અષાઢી માહૌલ સર્જાયો હતો અને જોરદાર માવઠું વરસી ગયું હતું.
સૌરાષ્ટ્રમાં પ્રથમવાર જ આ કમોસમ આટલો લાંબા સમય જાણે મોસમ હોય તે રીતે ચાલી છે. જો કે સમગ્ર દેશમાં હાલ કોરોના સાથે કમોસમનું હવામાન સર્જાયું છે.
હવામાન ખાતાએ ગુરુવારથી ત્રણ દિવસ સુધી રાજકોટ, જુનાગઢ, અમરેલી, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ડાંગ,તાપી વગેરે વિસ્તારમાં તીવ્ર પવન સાથે વરસાદની આગાહી કરી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3xMIwfG
0 Response to "સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદ, ધોરાજી સિવિલમાં મંડપ ધસી પડતા ભાગદોડ"
Post a Comment