મહેસાણા નગરપાલિકાની ચુંટણીમાં કોંગ્રેસના દિગ્ગજો કપાયાઃ માત્ર 7ને રીપીટ કર્યા
મહેસાણા,તા.13 ફેબ્રુઆરી 2021, શનિવાર
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ટિકીટ ફાળવણીના મુદ્દે કોંગ્રેસ અને ભાજપમાં છેલ્લી ઘડી સુધી કમઠાણ જોવા મળ્યું હતું. મહેસાણા નગરપાલિકાની ચુંટણી માટે ૧૧ વોર્ડની ૪૪ બેઠકો ઉપર કોંગ્રેસે ભારે ઈન્તેજારી વચ્ચે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ૭ કોર્પોરેટરોને રિપીટ કર્યા છે. જ્યારે ૩૭ નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. સામે ભાજપે પણ જીતી શકે તેવા ઉમેદવારોને પ્રાધાન્ય આપીને ઉમેદવારોની પસંદગી કરી છે. આ વખતે વોર્ડ નં.૧૦માં એક મુસ્લીમ ઉમેદવારને પણ ભાજપે ટિકીટ આપીને નવો ચીલો ચિતર્યો છે.
ઉત્તર ગુજરાતના વડામથક ગણાતા મહેસાણામાં નગરપાલિકાની ચુંટણી ખૂબ જ રસપ્રદ બની છે. પાટીદાર અનામત આંદોલનનો લાભ મેળવીને ગત વખતે ૨૯ બેઠકો મેળવી કોંગ્રેસે સત્તા કબજે કરી હતી. પરંતુ પાંચ વર્ષના સમયગાળામાં વકરેલા જુથવાદ અને અસંતોષને કારણે બે વખત સત્તાપલટો થયો હતો અને બહુમતી ન હોવાછતાં બળવાખોરોના સમર્થનથી ભાજપે સત્તા મેળવી હતી. કોંગ્રેસ પક્ષમાં પાંચ વર્ષ સુધી અવિરત ચાલેલા આંતરિક ગજગ્રાહની અસર આ વખતે ૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાનાર મહેસાણા નગરપાલિકાની ચુંટણીમાં પણ જોવા મળ્યું હતું. જેના લીધે મોવડીમંડળ છેલ્લી ઘડી સુધી ૧૧ વોર્ડની ૪૪ બેઠકો ઉપર પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી શકી ન હતી. દરમિયાન શનિવારે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે.
જેમાં ટિકીટવાંચ્છુઓમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો છે. ખાસ કરીને કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ નં.૨,૩,૪ અને ૫માં પક્ષની ટિકીટ મેળવવા અનેક કાર્યકરોએ દાવેદારી નોંધાવી હોવાથી કોને ટિકીટ મળશે અને કોણ કપાશે તેની અટકળો તેજ બની હતી. જોકે શહેર કોંગ્રેસ પ્રમુખ પી.કે.પટેલ દ્વારા છેલ્લી ઘડીએ રજૂ કરવામાં આવેલા કોંગ્રેસના ઉમેદવારોના મેન્ડેડ પ્રમાણે મહેસાણા નગરપાલિકામાં ગત બોર્ડમાં ચુંટાયેલા ૭ પૂર્વ કોર્પોરેટરોને રિપીટ કરાયા છે. જ્યારે પૂર્વ પ્રમુખ જયદીપસિંહ ડાભીએ ચુંટણી ન લડવાનું જણાવ્યું હતું. ઉપરાંત ઘનશ્યામ સોલંકી અને હિરેન મકવાણાની ટિકીટ કાપવામાં આવતાં હોબાળો થયો હતો. બીજી તરફ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા પોતાના ઉમેદવારોના લીસ્ટમાં ટિકીટ માટેના ક્રાઈટ એરિયાનો છેદ ઉડાડી કેટલીક બેઠકો ઉપર કોંગ્રેસમાંથી આવેલા એકને અને વ્હાલાદવાલાની નિતી અપનાવાઈ હોવાની બૂમરેંગ ઉઠતાં પક્ષના કાર્યકરોમાં નારાજગી ફેલાઈ હતી.
ઘનશ્યામ સોલંકી અને હિરેન મકવાણાની ટિકીટ કપાતાં હોબાળો
મહેસાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ સોલંકી તેમજ હિરેન મકવાણાની કોંગ્રેસે ટિકીટ કાપી નાખતા હોબાળો થયો છે. જેમાં હિરેન મકવાણાએ હું નહી તો કોઈ નહી તેવું મોવડી મંડળને જણાવી દબાણ કર્યું હતું. પરંતુ પક્ષે નમતું ન જોખીને આખરે ટિકીટ નહીં આપવાનો નિર્ણય કર્યો હતો.
જયદીપ ડાભીએ યુવાનોને તક મળે તે માટે દાવેદારી પાછી ખેંચી
મહેસાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયદિપસિંહ ડાબીએ વોર્ડ નં.૨માંથી પોતાની દાવેદારી નોંધાવી હતી. પરંતુ છેલ્લી ઘડીએ તેમણે પોતાના મતવિસ્તારમાં નવા ચહેરાને સ્થાન મળે તે માટે સ્વૈચ્છાએ પક્ષમાંથી ટિકીટ મેળવવાની પોતાની દાવેદારી પાછી ખેંચી હતી.
પરિણામો ઉપર નારાજગીનું નુકશાન કોંગ્રેસને થવાની સંભાવના
૫ વર્ષ સુધી મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસનું સાશન રહ્યું હતું. આ વખતે મોવડી મંડળે ચુંટણી લડવા માંગતા કોંગ્રેસના દિગ્ગજોની ટીકીટ કાપી કિનારે કરતા ભારે નારાજગી ફેલાઈ છે. જેના લીધે આ વખતના પરિણામો ઉપર તેની વિપરીત અસર પડે તેવું કહેવાય છે. પાલિકામાં સતતા મેળવવા કોંગ્રેસને ભારે મથામણ કરવી પડે તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે.
અમીત પટેલની આખી પેનલને ટીકીટ આપવી પડી
મહેસાણા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરેલ યાદીમાં ૭ જેટલા નામ રિપીટ કર્યા હતા. તો ૩૭ નવા ચહેરાને મેદાનમાં ઉતારતા આ વખતની ચૂંટણી ભારે રસપ્રદ બની રહેસે. જેમાં વોર્ડ નંબર ત્રણમાં અમીત પટેલની આખી પેનલને રીપીટ કરવામાં આવી છે. જ્યારે નંદાબા ઝાલા, દિનેશ પટેલ, ગાયત્રીબેન ચાવડા, અમિત પટેલ, ત્રિભોવનભાઈ ઓઝા, મોતીબેન ઠાકોર અને નવીનચંદ્ર પટેલને કોંગ્રેસે ફરી વાર તક આપી છે.
વોર્ડ નં. 2 અને વોર્ડ નં. 10માં કોંગ્રેસમાં કોકડું ગુંચવાયું
કોંગ્રેસ પક્ષમાં વોર્ડ નં. ૨ અને વોર્ડ નં. ૧૦માં કોકડું ગુંચવાયું હતું. વોર્ડ નં. ૨ માં ઉમેદવારોનો રાફડો ફાટયો હતો. જેમાં કોને ટિકિટ આપવી તેમાં અસમંજસ ફેલાયું હતું. જ્યારે વોર્ડ નં. ૧૦માં કોંગ્રેસ પક્ષે માત્ર બે જ ઉમેદવારોની હરિફાઈ ચાલતી હોવા છતાં પક્ષને ટિકિટ આપવી તે નક્કી કરી શકી ન હતી અને કોંગ્રેસના વફાદાર ઉમેદવાર પર કળશ ઢોળ્યો હતો. તે સામે વિનોદ ચૌહાણ સ્થાનિક ઉમેદવાર અને સામાજિક કાર્ય કરતા હોવા છતાં ટિકિટ ન મળતા નારાજ થઈ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જેથી આ બેઠક પર કોંગ્રેસે ભારે મહેનત કરવી પડશે તેવું સુત્રો દ્વારા જણાવ્યું છે.
ભાજપ કરતા કોંગ્રેસને વધુ ડેમેજ થવાની શક્યતા
મહેસાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ હતી. ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે બળલવાની બીકે અને હરીફ ઉમેદવાર અપક્ષનું ફોર્મ ન ભરે તે માટે છેલ્લા સમય સુધી મેન્ડેન્ટ આપવાનું ટાળ્યું હતું. જ્યારે છેલ્લા કલાકમાં ઉમેદવારોને મેન્ડેટ મળતા ઉમદેવારોમાં આક્રોશ જોવા મળ્યો હતો.
ભાજપના બે યુવાનોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી
મહેસાણા ભાજપ દ્વારા શુક્રવારે મહેસાણા નગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ ઉમેદવારોમાં પોતાના અને ગ્રાઉન્ડ પર કામ કરતા કાર્યકરોને ટિકિટ ન મળતા ભાજપના વોર્ડ નં. ૧ ના ઈન્ચાર્જ રાકેશ શાહએ તેમજ ભાજપ યુવા મોરચાના આગેવાન વિષ્ણુ બારોટે આજે ફોર્મ ભરવાના છેલ્લા અંતિમ દિવસે મહેસાણા પ્રાન્ત કચેરી ખાતે અપક્ષ ઉમેદવારી નોંધાવાત ભાજપમાં વિરોધનો વંટોળ ઉભો થવા પામ્યો હતો.
કોરોના ભુલાયો, કેસો વધવાની દહેશત
મહેસાણા નગરપાલિકાની ચુંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ઉમેદવારી નોંધાવવા પ્રાન્ત કચેરી ખાતે દોડી આવ્યા હતા. જેને લઈ કચેરીમાં ઉમેદવારો અને સમર્થકોના ટોળા જોવા મળ્યા હતા અને કચેરીમાં ભીડ ઉમટતા સોશ્યલ ડીસ્ટન્સના પણ ધજાગરા ઉડયા હતા અને કોરોનાને આ ભીડ ખુલ્લી આમંત્રણ આપતી હોય તેમ દેખાતું હતું.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jMXVG8
0 Response to "મહેસાણા નગરપાલિકાની ચુંટણીમાં કોંગ્રેસના દિગ્ગજો કપાયાઃ માત્ર 7ને રીપીટ કર્યા"
Post a Comment