
ટિકિટ કપાઈ જવાની બીક હોય તેવા કોર્પોરેટરોએ ગોઠવણ કરવા માંડી
અમદાવાદ, તા. 7 ડિસેમ્બર, 2020, સોમવાર
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી નવેમ્બરમાં યોજાઈ જવાની હતી, જે ચૂંટણીઓ કોરોનાના કારણે ત્રણ મહિના પાછી ઠેલી છે. દરમ્યાનમાં હાલના ભાજપના 140 કોર્પોરેટરોમાંથી 60 જેટલા નામો પર કાતર ફરવાની સંભાવના હોવાથી 'પોતે કપાઈ ન જાય' તેની ગોઠવણ પાર પાડવા કેટલાક કોર્પોરેટરોએ તેમના રાજકીય ગોડફાધરોની ઓફિસોમાં આટાફેરા વધારી દીધા છે. કેટલાક ટિકિટ ન મળે તો સંગઠનમાં સારા સ્થાને બેસવા કે બોર્ડ- નિગમમાં ગોઠવાઈ જવા ઉત્સુક છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના 48 વોર્ડના 192 કોર્પોરેટરોમાંથી ભાજપના 140 છે. જ્યારે કોંગ્રેસના 48 કોર્પોરેટરો છે. ગઈ ચૂંટણી 2015માં યોજાઈ ત્યારે પાટીદાર અનામત આંદોલન ટોચ પર હોવાથી અગાઉ કરતાં કોંગ્રેસની 15 જેટલી બેઠકો વધી હતી.
દરમ્યાન નવા સીમાંકન અને જાહેર થયેલી 41 અનામત બેઠકો જાહેર થતાં એ તમામ જગ્યાના ઉમેદવારોના નામમાં ફેરફાર થશે ઉપરાંત ચાર કે તેથી વધુ ટર્મથી ચૂંટાચા કોર્પોરેટરોને બદલવાની વિચારણા ચાલે છે. કેટલાક કોર્પોરેટરોના નામો ભ્રષ્ટાચાર જેવી બાબતોમાં ચગ્યા હોવાથી તેઓ પણ કપાશે તેવી ભીતિ પેદા થઈ છે.
બીજી તરફ કપાવાની ભીતિ છે તેવા કોર્પોરેટરો પોતાના સ્થાને તેમના પુત્રને કે પત્નીને ટિકિટ અપાવવા માટે અત્યારથી જ ગોઠવણ કરી રહ્યા છે. અનામત બેઠકો પર ચૂંટાતા કોર્પોરેટરો પોતાની નજીકના વોર્ડમાં અનામત બેઠક જાહેર થઈ હોય તો વોર્ડ બદલીને પણ ટિકિટ માંગી રહ્યા છે.
આ ઉપરાંત પહેલી વખત જ ઉમેદવારી કરવા ઇચ્છતા યુવક- યુવતીઓ તેમના બાયોડેટાની ફાઇલ લઈને શહેરના હોદ્દેદારોનો અત્યારથી જ સંપર્ક કરવા માંડયા છે. ચૂંટણી પંચની જાહેરાત અનુસાર માર્ચમાં ચૂંટણી યોજાશે તેમ જણાય છે. પેટાચૂંટણીમાં ભાજપના આઠેય ઉમેદવારો જીતી ગયા બાદ બહુ જ ઝડપથી ચૂંટણી યોજી દેવાનો મનસૂબો મોવડી મંડળે ઘડયો હતો પણ દિવાળી બાદ કોરોનાના કેસો વધી જતાં તેને પડતો મૂકવો પડયો હતો.
દરમ્યાનમાં 14મી ડિસેમ્બરે વર્તમાન શાસકોની મુદત પૂરી થાય છે. ટર્મ લંબાવવાના કોઈ જ સંકેત દેખાતા નહીં હોવાથી વહીવટદાર આવશે તે બાબત નક્કી છે. બીજી તરફ કોંગ્રેસમાં બદરૂદ્દીન શેખનું અવસાન થવાથી, ત્રણેક કોર્પોરેટરો ભાજપમાં જવાથી, ત્રણેકની ઉંમરના કારણે તબિયત સારી નથી રહેતી આ સંજોગોમાં 10 જેટલા નવા ચહેરાને ટિકિટ મળશે તેમ જણાય છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33PSFLm
0 Response to "ટિકિટ કપાઈ જવાની બીક હોય તેવા કોર્પોરેટરોએ ગોઠવણ કરવા માંડી"
Post a Comment